સ્પેકટ્રોમીટર - જ્ય વસાવડા
જીવવામાં મસ્ત નહિ રહો, તો મરવામાં વ્યસ્ત રહેશો!
- જે ઘટના પુરી થાય એના પર રોવાની સાથે મુસ્કુરાવું કે એ ઘટના બની તો ખરી!
કમ ઓન, જમ્પ એન્ડ જોઇન.
* * *
(૧) ચાલવું. હા, ગાડી હોય તો પણ. થાક હોય તો પણ. શકય હોય ત્યારે, ત્યાં અને રોજે રોજ. ચાલવું. નસીબ નહિં ચાલે તો ય શરીર લાંબુ ચાલશે.
(૨) ભરપેટ દિવસમાં એકવાર જમવું. બધા જ સ્વાદ માણવાના. ખાવા માટે પણ જીવવાનું હોય છે, અને પીધા વગર ખાવાનો પણ નશો હોય છે. પણ એક ટંક નહિં જમીને.
(૩) ઉંઘવું. બેશરમ થઇને. ફોન સાયલન્ટ કરીને. રાત્રે મોડે સુધી જાગવાની ટેવ હોય તો સાધુપુરૃષ અને બ્રાહ્મમુર્હૂતની એક,બે,ત્રણ કરીને જરૃરી કામ ન હોય તો મોડાં જ ઉઠવું. વર્લ્ડ કેન વેઇટ. ટિલ વી રેસ્ટ. તક મળે તો બપોરે ઉંઘવું પણ ઉજાગરા આદત ન બનવા જોઇએ. મોડા સૂઓ, મોડા ઉઠો. વહેલા સૂઓ (આભ ન ફાટી પડયું હોય તો) મોડા ઉઠો.
(૪) અમુક વખતે બોલવું ઓછું, સાંભળવું વધુ. સામી વ્યકિતને પહેલા બોલવા દેવાની. જે વધુ પડતું બોલે છે, એ કવચકુંડળ ઉતારી નાખેલો કર્ણ થાય છે.
(૫) સાવ નાનકડાં શિશુઓને રમાડવાના મોકા જવા નહિં દેવાના. ઇટ્સ પ્યોર ફન. ડાયરેકટ ડાયલિંગ ટુ ગોડ.
(૬) ફોન - ટીવી- ફેસબુક આપણી સગવડતા માટે છે, આપણે એની સગવડતા માટે નથી. માટે એના ગુલામ નહિં, માલિક થવું. બધા ફોન, પ્રોગ્રામ કે મેસેજ એટેન્ડ કરવા ફરજીયાત નથી. અને આપણો ફોન બીજાની અગવડતા માટે નથી.
(૭) અમુક સંવેદનશીલ અવસરો કે શિસ્ત- સૌજન્યના ભાગરૃપે અનિવાર્ય પ્રસંગો સિવાય બીજાને નહિં, પોતાને ગમે એવા જ કપડા પહેરવા. આપણે શોરૃમના મેનિકવીન નથી કે જગત મુજબ જાત શણગારીએ. શરીર આપણું, પૈસા આપણા, ચોઇસ આપણી. બ્યુટીફુલ દેખાવું પુણ્યયજ્ઞા છે.
(૮) ભારતીય સંસ્કૃતિને ખરેખર આદર આપતા હો અને સાધુ ન થઇ જવું હોય તો કલરફૂલ કપડાં પહેરવા. ઇન્ડિયા ઇઝ ઓલ એબાઉટ કલર્સ. પણ અરીસામાં જોઇ લેવું. બોડી શેઇપને અનુરૃપ ના હોય એવા આઉટફિટસ આપણને આઉટડેટેડ બનાવે છે. ગરમ દેશમાં સૂટ-ટાઇ શકય હોય ત્યાં સુધી ટાળવા.
(૯) કયારેય કોઇ એકમાત્ર લેખક, વકતા, અભિનેતા, સંગીતકાર, રાજકારણી વોટએવરના આંધળા ભકત ન થવું. એના કાઉન્ટરવ્યૂઝ પણ રાખવા. બારી ખુલ્લી ન રાખો તો ઘરના ઓરડામાં પણ ગુંગળામણ થાય!
(૧૦) આ દેશ બેતૂકા બેવકૂફો અને બદમાશ બુદ્ધિમાનોથી ખદબદ થાય છે. એમને સ્કૂલથી લઇ સમાજ સુધી, પરિવારથી લઇ કારોબાર સુધી કોઇએ મોં પર સંભળાવીને એમની અસલી ઔકાત મોટેભાગે બતાવી નથી હોતી. આપણે ગયા ભવમાં ગરોળી હતા કે આવતા ભવે કાચબા હશું એની ખબર નથી, માટે ગુસ્સો મનમાં ધરબીને બીપી વધારવા કરતા વ્યકત કરી એમને મોં પર ચોપડાવી રિલેકસ થઇ જવું. પારદર્શક નવી પેઢીને માફ કરવી, જડભરત જુની પેઢીને સાફ કરવી.
(૧૧) ગુસ્સો કરવો, અને થાય જ. પણ એ ઝડપભેર ઉતારવો. ક્રોધ કદી કાયમી દુશ્મનાવટ કે પૂર્વગ્રહમાં ફેરવાવો ન જોઇએ. કાયમી ક્રોધ મગજનું અલ્સર છે.
(૧૨) હસવું. ખડખડાટ. વારંવાર. પોતાના ઉપર તો ભૂલ્યા વગર!
(૧૩) બદલતા રહેવું. મોબાઇલ-શૂઝ એક-બે વર્ષે, વાહન ચાર પાંચ વર્ષે. ઇન્ડિયન ડિઝાઇન ઘર દસ-વીસ વર્ષે અને આપણી જાત- રોજેરોજ. ગ્રોથનું વિરૃદ્ધાર્થી છે ઃ ગો! નવું ટેસ્ટ કરવું. બદલાતા સમયને સ્વીકારી લેવો.
(૧૪) ફરવું. બચતના ભોગે પણ. લંચ સ્કિપ કરીને અને કપાત પગારની રજા લઇને પણ. કિતાબોમાં નથી, એ પ્રવાસોમાં છે. જીવવામાં પણ એક જગ્યાએ રોકાવું નહિં, ગમે તેમ કરીને આગળ ચાલવું. ફરતાં ફરતા સરસ સંગીત સાંભળવું.
(૧૫) વાંચવું. સંસ્કૃત સાહિત્યથી વિશ્વસાહિત્ય સુધી. વેબસાઇટ્સ અને મેગેઝીન્સ તો ખાસ. રેન્જ લાંબી રાખવી, જેથી ચેન્જ આસાનીથી આવે. પુસ્તક સીડી- ડીવીડી ખરીદવા આવકના મિનિમમ ૧૦% રાખવા. ડ્રાયફ્રુટ કે ફલાવર્સને બદલે ક્રિએટિવ ક્રિએશન્સ ભેટમાં આપવા. ફિલ્મો તો અચૂક જોવી. એ કેમેરાથી લખાયેલું સાહિત્ય છે. એનો રેફરન્સ વટભેર આપવો. ટૂંકમાં શોખ રાખવા.
(૧૬) પરીક્ષાઓને બહુ મહત્વ ના આપવું. એ કયાં વળી આપણને ભાવ આપે છે? પણ કોઇ એક સબ્જેકટમાં જો જાતમહેનતે માસ્ટર નહિં બનીએ, તો ગુલામી પાક્કી છે!
(૧૭) પોર્નોગ્રાફિ, ઇરોટિકા ઇઝ ટાઇમપાસ ફન. એ કોઇ રોગ કે દૂષણ નથી. એનું એડિકશન ખતરનાક છે. પણ એ તો દૂધ, સાકર કે કઠોળનું ય એડિકશન ખતરનાક જ છે. પ્રોબ્લેમ હંમેશા એડિકશન / વળગણ- ફરજીયાત આદતમાં છે. માંસાહાર કરનારા, દારૃ પીનારા, અફેર કરનારા, પાર્ટી કરનારા બધા જો સેતાન થઇ જતા હોત, તો આ પૃથ્વી પર માણસ મ્યુઝિયમમાં હોત. સ્ત્રીને પણ આઝાદ જીંદગી જીવવાનો અધિકાર પુરૃષ જેટલો જ છે. સંતુલિતભાવે પૂરી હકીકત જાણ્યા વિના કોઇના પર પર્સનલી જજમેન્ટલ બની પૂર્વગ્રહના ચુકાદા ન જ આપવા.
(૧૯) શ્રમ કરનારા (ચોંટીને ભીખ માંગનારા નહિ) ગરીબ કે ગ્રામીણ બાળકો અને એવા જ કંગાળ કરચલીવાળા વડીલોનું અપમાન કરવું એ મહાપાપ છે. શક્ય હોય ત્યારે એમના માટે ચોકલેટસ- ફ્રુટસ રાખવા, એમને આનંદ કરાવવો. આ પ્રેસનોટ આપવા માટેની 'સેવા' નથી. સંવેદનશીલતા વધે તો જ નીચતા ઘટે. પોલિસ-કાયદાથી જ નહિ.
(૨૦) પોતાનાથી નાનું કામ કરનારા કે નોકરી કરનારા લોકો સાથે ફક્ત એ કારણથી તોછડાઈ ના કરવી. કામ નાના-મોટા હોય છે. માણસ નહિ. પણ એમની ભૂલ બાબતે એમના પર ચેક રાખવો, અને પાવર કોની પાસે છે એ અહેસાસ પણ ક્યારેય, કદી પણ જમવામાં કોઈ સાથે ભેદ ન કરવો. પોતે જ ખાવ એ જ ડ્રાઈવર કે દરવાન જે હોય એને પ્રેમથી ખવડાવવું.
(૨૧) પૂછવામાં શરમાવું નહિ, શીખવામાં ગભરાવું નહિ, સાહસમાં ખચકાવું નહિ. યાદ રાખવું કે પરિસ્થિતિ જેટલી અઘરી, એટલો આપણો હીરો બનવાનું ચાન્સ વધુ!
(૨૨) ડરવાનું નહિ. એટલે બોઘાબહાદુર બનવું એમ પણ નહિ. અમુક ભય કુદરતપ્રેરિત છે. જે આપણી સુરક્ષા માટે જરૃરી છે. જોખમનો અંદાજ લેવો, આફતોને આમંત્રણ ન આપવા. પણ પરમ ચૈતન્ય સિવાય ક્યાંય ઝૂકવાનું નહિ, અને એ સાથે હોય તો ફિર ડર કાહે કા? એવું જીવનમાં કશું કરવાનું જ નહિ, કે ડરવું પડે! જીંદગીનું સુકાન હરિને હાથ સોંપ્યા પછી બહુ ડબડબ કરી એને ડિસ્ટર્બ ન કરવો. બદલાતા દ્રશ્યો માણવાના!
૯૨૩) પોતાની ભૂલ ન હોય તો સત્ય અને ન્યાય ખાતર છેલ્લા શ્વાસ સુધી લડવું. પોતાની ભૂલ હોય તો સરાજાહેર એની કબૂલાત કરી એ સુધારવાના પ્રયાસમાં એક શ્વાસ લેવા જેટલો સમય પણ મોડું ન કરવું.
(૨૪) પ્રેમ અને મૃત્યુ, આ બેની અનિશ્ચિતતા માણસને કોઈપણ નિષ્ફળતા કે સગવડોના અભાવ કરતાં વધુ પજવે છે. આ બેઉની ચાવી પોતાની પાસે રાખીને જ ઈશ્વરે માણસને આસ્થાવાન બનવા મજબૂર કર્યો છે. કર્મ જાતે જ તપાસતા રહેવા, એ ભક્તિ છે. જીવનમાં ખરાબ થાય, એ ય ઉપરવાળાની લીલા છે.
(૨૫) છોકરીઓને બેહદ પ્રેમ કરવો, એના પર બળપ્રયોગ તો કદાપિ ન કરવો. એને મુક્તિ આપવી. પણ ફક્ત સ્ત્રી ખાતર કે સ્ત્રીના નિર્ણયના ભરોસે ઉંધુ ઘાલીને ચાલવું નહિ. તમામ પ્રબુદ્ધો આ બાબતે એકમત છે! કુદરતે સ્ત્રીને અમુક સમજણ જુદી આપી છે.
(૨૬) બધી જ સફળતા કે સ્ટારડામ લોજીકથી નથી મળતું. ન સમજાય એવું મેજીક પણ હોય છે. લોજીક ગણિતમાં ચાલે. લોકપ્રિયતા મેજીકનો એરિયા છે.
(૨૭) આ ઉપદેશપ્રધાન દેશમાં કોઈને બોર ન કરવા એ ય સમાજસેવા છે. રસ લેવો, ટકાવવો, જગાવવો. પૂછયા વિના આત્મકથા ન સંભળાવવી.
(૨૮) બહુ પ્રેમ કરવાથી એ સામે પહોંચે એવું નથી. બતાવવો પણ પડે. બહુ બતાવવાથી પ્રેમ વળતો મળે એવું ય નથી. થોડીક રમત, થોડીક ચેલેન્જ, થોડુંક રહસ્ય ઉભુ કરવું જોઈએ. પ્રેમ ક્યારેય સમજાવટ કે દલીલોથી પેદા કરી શકાતો નથી. એ તમારા વાણીવર્તનના રિસ્પોન્સ રૃપે પ્રગટે છે સામા પાત્રમાં. ટૂંકમાં, પ્રેમ ફક્ત લાગણી, પારદર્શકતાથી ન થાય. ટ્રિક, કળા ય જોઈએ. ઘેલી પુસ્તકિયા વાતો પ્રેમમાં નડતર હોય છે.
(૨૯) આદર્શવાદ જીવન બરબાદ કરે છે. પોઝિટિવિટીનો અતિરેક ડાયાબીટિસ કરે છે. નેગેટીવિટી તો ઝેર છે. શ્રેષ્ઠ વાસ્તવવાદ છે. આશાવાદી રહેવું, પણ આવડત અને અક્કલ કેળવીને. ટીકા કે વખાણ પરફોર્મન્સ બેઝડ રાખવા. પર્સન બેઈઝ નહિ.
(૩૦) રહસ્યકથાઓ વાંચવી. બહુ કામ લાગે છે. વિદ્વાનોનો સત્સંગ- શ્રવણ પણ.
(૩૧) કવિતા અને ચિત્રોને અર્થ સમજ્યા વિના વખોડવા નહિ. વાતેવાતમાં રાજકારણ કે જ્ઞાાતિના કાર્યકરની જેમ અક્કલ ગિરવે મૂકવી નહિ.
(૩૨) પ્રશંસા બરફના ગોલા જેવી છે. મળે ત્યારે ચૂસવાની મજા આવે એમાં બેમત નહિ. પણ ખિસ્સામાં રાખી ઘેર જાવ તો એ ઓગળે ને કપડાં ય બગાડે. ટીકા સ્માર્ટ ફોનની બેટરી જેવી છે, તમે એને ચાર્જ નહિ કરો, તો આપોઆપ ઓસરી જશે. કર્મમાં જીવ રેડી દેવો, પણ એથી વધુ કર્તાભાવ ન રાખવો. ગમતી બાબતથી પણ જરૃર પડે ડિટેચ્ડ થવા જાત કેળવવી.
(૩૩) પૈસા બહુ જરૃરી છે. કોઈના ખોટી રીતે લેવાને બદલે બહુ કમાવા જોઈએ. પણ મહેનત કરીને. વટથી પરફોર્મન્સના બદલામાં માંગીને. પૈસા તો નકામા છે, એ વાતો તદ્દન નકામી છે. પણ પૈસો લક્ષ્ય નથી. સાધન છે. જીવનમાં કશીક મંઝિલો હોય, એ મેળવવા ખર્ચાતું બળતણ છે. એને માથા પર નહિ, ગજવામાં જ રાખવો. નાના હિસાબોમાં જીવ ન બાળવો. ખર્ચના તોડજોડ કરતા વધુ કમાઈ લેવા. અને પારકા ખર્ચે એ પહેલા જીવતેજીવ ખર્ચતા પણ શીખવું.
(૩૪) ભણવું એટલે નવું નવું જાણવું, શીખવું, સમજવું અને પ્રક્રિયામાં આનંદ- રોમાંચ- ઉમંગ અનુભવવો તે. અનુભૂતિ અને માહિતીને વિસ્તારી સર્જન કરવા અને સમજવા શક્તિશાળી બનવું તે.
(૩૫) મમ્મી-પપ્પા તમારી લાઈફમાં કચકચ બહુ ન કરે, ટેકો આપે અને ખાસ કરીને લાઈફ પાર્ટનર-કરિઅર બાબતે દબાણ ન કરે તો આજીવન એમને કાળજીથી સાચવવા. એથી મોટો કોઈ ધરમ નથી. કોઈ જ નહિ.
(૩૬) દોસ્તો, ગમતા સંબંધો પણ ખજાનો છે. એમની સાથે રૃબરૃ કે નેટ પર સમય પસાર કરવા ખજાનો લૂંટાવી દેવો, બેધડક.
(૩૭) ફાલતુ વાતોમાં કે ઘેર જવા-જમવાની ઔપચારિકતામાં સમય ફેંકી દેવાને બદલે ગમતા શોખ પુરા કરવામાં એ સમય રોકવો. ના પાડવા અને પડકારનો સામનો કરવામાં મનોબળ મક્કમ રાખવું.
(૩૮) પરિવર્તન પ્રકૃતિનું કીર્તન છે. નવા ટ્રેન્ડસ કે ટેકનોલોજીને વખોડવાને બદલે વખાણવા, અને અપનાવવા.
(૩૯) મોજથી જીવવું એ ય ભગવાનનું ભજન છે. તમામ સુંદરતાને ચાહવી ધર્મસ્થાનકોમાં વાતાવરણ કે પ્રતિમાઓ જોવા જવું. ઈશ્વર સર્વવ્યાપી છે, અને બધા ધર્મો, દેશો, સંસ્કૃતિમાં દેખાય છે. હા પ્રભુને પારદર્શક અને પ્રસન્ન પશ્ચિમી સંસ્કૃતિ વધુ વ્હાલી છે- એ દેખીતું છે. પશ્ચિમ પાસેથી મિથ્યાભિમાની અને ગપ્પાબાજ ભારત શીખશે નહિ, તો સમસ્યા ઉકલશે નહિ.
(૪૦) ભારતની પ્રજા, એની આળસ- કામચોરી- અભિમાન- જડતા- ધર્મભીરૃતા એની સૌથી મોટી ખામી છે. એ સામૂહિક ક્રાંતિ કરતા થાય તેટલા વ્યક્તિગત અભિગમના ફેરફારથી બદલાય. પૂરેપુરું સાચું અણસમજુ સમાજને પચતું નથી, માટે બધા જ જીવનસૂત્રો જાહેરમાં વ્યક્ત ન કરવા! અને ફક્ત પારકા સૂત્રો પર જ પોતાના જીવનનું આયોજન ન કરવું!
ફાસ્ટ ફોરવર્ડ
''ઓરિજીનલ બનો, એ સિવાયની બધા વ્યક્તિત્વો ઓલરેડી લેવાઈ ગયા છે.'' (ઓસ્કાર વાઈલ્ડ)